GujaratIndia

પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી લાશ દફનાવી દેતી પત્ની…

જામનગરમાં દ્રશ્યમ ફિલ્મને પણ આંટી મારે તેવી એક ભયાનક મર્ડર મિસ્ટ્રીનો પર્દાફાશ થયો છે. પરપુરૂષના પ્રેમમાં આંધળી બનેલી પત્નીએ પ્રેમી સાથે મળી પતિની હત્યા કર્યા બાદ કારના નાના ડેમાં દસ ફુટ ઉંડા ખાડામાં લાશ દફન કરી દીધી હતી અને પતિ કમાવા માટે ઓસ્ટ્રેલીયા ગયો હોવાનીં સ્ટોરી ઘડી કાઢી હતી. જો કે બે વર્ષ બાદ પાપનો ભાંડો ફુટયો હતો અને પત્ની કાનુની શિકંજામાં આવી ગઇ છે.

આ હત્યાકાંડનો ચોંકાવનારો ભેદ બે વર્ષ બાદ ઉકેલાતા ભારે ચકચાર મચી છે. પતિને રસ્તામાંથી દૂર કરવા પત્નીએ પોતાના પ્રેમી અને તેના મિત્ર સાથે મળીને પૂર્વ આયોજિત કાવતરું રચ્યું હતું. આરોપીઓએ પતિને દારૂૂની પાર્ટીના બહાને બોલાવી દારૂૂમાં સાઇનાઇડ ભેળવી પીવડાવ્યું, ત્યારબાદ મોત નિપજ્યા પછી લાશને દરેડ જીઆઈડીસીના એક શેડમાં દાટી દીધી હતી. પરિવારજનોને સતત ભોગ બનનાર ઓસ્ટ્રેલિયા ગયો હોવાનું કહી ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા. આખરે પરિવારની શંકા, પોલીસની ઝીણવટભરી તપાસ અને ઘટનાસ્થળે કરાયેલા ક્રાઇમ સીનના પુન:નિર્માણ બાદ જમીનમાંથી માનવ કંકાળ મળી આવતાં સમગ્ર હત્યાકાંડનો ભેદ બહાર આવ્યો હતો.

આ બનાવ અંગે મૃતક જીગ્નેશ ધરમશીભાઈ માવદીયા (પ્રજાપતિ કુંભાર) ના ભાઈ અશોકભાઈ ધરમશીભાઈ માવદીયાએ સિટી બી. ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ જીગ્નેશે પ્રેમલગ્ન કર્યા હતા અને તેને બે પુત્રીઓ છે. છેલ્લા બે વર્ષથી જીગ્નેશનો પરિવારજનો સાથે કોઈ સંપર્ક ન થતાં શંકા ઊભી થઈ હતી. પત્ની પૃથ્વીબેન ઉર્ફે ભૂમીબેન વારંવાર જીગ્નેશ ઓસ્ટ્રેલિયામાં હોવાનું અને કોઈ સાથે વાત કરવા માંગતો ન હોવાનું કહી વાત ટાળી દેતી હતી.

પરિવારજનોને શંકા વધુ ગાઢ બનતા તેઓએ જીગ્નેશ અંગે દબાણ વધાર્યું હતું. ત્યારબાદ તા. 24 જુલાઈએ પૃથ્વીબેન અને નિલેશ મનસુખભાઈ કછટીયાએ પરિવારને મળીને જીગ્નેશની બે વર્ષ પહેલાં હત્યા કરી લાશની વિધિ પણ કરી નાખી હોવાનું કબૂલ્યાનું ફરિયાદમાં જણાવાયું છે. ત્યારબાદ પરિવારજનોએ પોલીસમાં અરજી કરી હતી.

પોલીસ તપાસ દરમિયાન બહાર આવેલી વિગતો મુજબ તા. 31 મે, 2024ની રાત્રે જીગ્નેશને દરેડ જીઆઈડીસીમાં આવેલા એક શેડમાં દારૂૂની પાર્ટીના બહાને બોલાવવામાં આવ્યો હતો. ત્યાં પત્ની પૃથ્વીબેન ઉર્ફે ભૂમીબેન, તેનો પ્રેમી નિલેશ મનસુખભાઈ કછટીયા અને બલવીર દેવીરામ વર્માએ મળીને દારૂૂમાં સાઇનાઇડ ભેળવી પીવડાવતાં જીગ્નેશનું મોત નીપજ્યું હતું. ત્યારબાદ પુરાવાનો નાશ કરવા માટે શેડમાં 12 થી 15 ફૂટ ઊંડો ખાડો ખોદી લાશ દાટી દેવામાં આવી હતી.પોલીસે દરેડ જીઆઈડીસી વિસ્તારમાં દર્શાવેલી જગ્યાએ ખોદકામ કરતાં માનવ કંકાળ મળી આવ્યો હતો, જેને મૃતક જીગ્નેશનો હોવાનું પ્રાથમિક રીતે માનવામાં આવી રહ્યું છે. કંકાલને પોસ્ટમોર્ટમ અને આગળની વૈજ્ઞાનિક તપાસ માટે જી.જી. હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યો છે.

આ સમગ્ર ઘટનામાં પંચકોશી બી. ડિવિઝન પોલીસે પત્ની પૃથ્વીબેન ઉર્ફે ભૂમીબેન, તેના પ્રેમી નિલેશ મનસુખભાઈ કછટીયા અને બલવીર દેવીરામ વર્મા સામે પૂર્વ આયોજિત કાવતરું રચી હત્યા કરવા તેમજ પુરાવાનો નાશ કરવા સહિતના ગુનાઓ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

સમગ્ર પ્રકરણની તપાસ લાલપુરના આઈપીએસ અધિકારી પ્રતિભા રાવના માર્ગદર્શન હેઠળ પંચકોશી બી. ડિવિઝનના પી.આઈ. વી. જે. રાઠોડ, તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે. હવે સૌપ્રથમ ડીએનએ પરીક્ષણની કાર્યવાહી હાથ ધરાશે, જેના માટે ફોરેન્સિક વિજ્ઞાનની મદદ લેવામાં આવશે. પોલીસે આ કેસમાં મૃતક ની પત્ની પૃથ્વી ઉર્ફે ભૂમિ, નિલેશ કછેટીયા અને બલવીર વર્મા સહિત ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે. તેઓને અદાલત સમક્ષ રજૂ કરીને રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરાશે. રિમાન્ડ દરમિયાન સમગ્ર ઘટનાનું રિક્ધસ્ટ્રક્શન સહિતની વધુ તપાસ કરવામાં આવશે, જેથી હત્યાના કાવતરાની દરેક કડી સ્પષ્ટ થઈ શકે.

એક મહિના પહેલા કાવત્રુ ઘડાયું, શેડ ભાડે રાખ્યો, ઉંડો ખાડો પણ ખોદી રાખ્યો હતોજામનગર જિલ્લામાં ચર્ચાસ્પદ બનેલા ચકચારી મર્ડર મિસ્ટ્રી પ્રકરણમાં પોલીસ તપાસ દરમિયાન એક પછી એક ચોંકાવનારા ખુલાસા સામે આવી રહ્યા છે. પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ આરોપીઓએ હત્યાની ઘટનાના અંદાજે એક મહિના પહેલાંથી જ સમગ્ર કાવતરું ઘડવાનું શરૂૂ કર્યું હતું.તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીઓ પૈકીના મુખ્ય સૂત્રધાર નિલેશ કછેટીયાએ ઉદ્યોગનગર વિસ્તારમાં કારખાનું ભાડે રાખ્યું હતું. ત્યાં મશીનરી ફિટ કરવાની હોવાનું કારણ દર્શાવી અગાઉથી અંદાજે 12થી 15 ફૂટ ઊંડો ખાડો તૈયાર કરવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ આ ખાડો મૃતદેહને દાટી દેવા માટે જ તૈયાર કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. ત્રીજા સાગરિત બલવીર દેવીરામ વર્મા દ્વારા સાયનાઇડની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું પણ બહાર આવ્યું છે.યોજનાના ભાગરૂૂપે રાત્રિના સમયે કારખાનામાં દારૂૂની મહેફિલ ગોઠવવામાં આવી હતી, જેમાં મૃતક જીગ્નેશ માવદીયા તેમજ આરોપી નીલેશ અને બલવીર હાજર હતા. આ દરમિયાન મૃતકને જાણ ન પડે તે રીતે તેના દારૂૂના ગ્લાસમાં સાયનાઇડ ભેળવી દેવામાં આવ્યું હતું. મૃતકે દારૂૂની ચૂસ્કી લેતાં જ સાયનાઇડ શરીરમાં પ્રવેશતાં તેનું તાત્કાલિક મોત નીપજ્યું હતું.હત્યા બાદ આરોપીઓએ મૃતદેહને અગાઉથી તૈયાર કરાયેલા ખાડામાં દાટી દીધો હતો. ત્યારબાદ તેના પર માટી નાખી સિમેન્ટનું પ્લાસ્ટર કરવામાં આવ્યું હતું. ત્યાર પછી ફરી માટી ભરી વધુ એક વખત સિમેન્ટનો થર ચડાવી સ્થળને સંપૂર્ણપણે સામાન્ય દેખાય તે રીતે તૈયાર કરી પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઘટનાના થોડા સમય બાદ આરોપીએ કારખાનું હવે ચલાવવાનું નથી તેમ જણાવી અંદાજે એકાદ મહિનાનું ભાડું ચૂકવી સ્થળ ખાલી કરી દીધું હતું. ત્યારબાદ આ જ કારખાનું અન્ય વ્યક્તિએ ભાડે લઈ ત્યાં મશીનરી પણ સ્થાપિત કરી દીધી હતી. આરોપીઓએ પોલીસને સ્થળ બતાવ્યા બાદ કારખાનામાંથી મશીનરી હટાવી ખોદકામ હાથ ધરાયું હતું. પોલીસે વિડીઓ રેકોર્ડિંગ પણ કરાવ્યું હતું, અને ખોદકામ દરમિયાન મૃતકના હાડપિંજર ઉપરાંત કપડાં અને અન્ય કેટલાક અવશેષો મળી આવ્યા છે. આ અવશેષોની ઓળખ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

Related Articles

Leave a Reply

Back to top button