GujaratPoliticsSuratWeather

સુરત જિલ્લામાં ભારે વરસાદની આગાહીના પગલે વેલંજા અને ઉમરા ગામના નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા…

સુરત જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદ તેમજ આગામી દિવસોમાં વધુ વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટર શ્રી તેજસ પરમારના માર્ગદર્શન હેઠળ આગોતરા તકેદારીના ભાગરૂપે રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. વોર્ડ નંબર–2ના કોર્પોરેટર શ્રીમતી મનિષાબેન ખેર તથા સ્થાનિક કાર્યકર્તાઓ, પોલીસ વિભાગ, ફાયર વિભાગ, મેડિકલ ટીમ અને સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ તથા કર્મચારીઓના સંકલનથી વેલંજા અને ઉમરા ગામના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત રીતે વેલંજા પ્રાથમિક શાળામાં સ્થળાંતર કરવામાં આવ્યા હતા.

ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને પોલીસ સ્ટાફ, ફાયર સ્ટાફ, મેડિકલ સ્ટાફ તેમજ સુરત મહાનગરપાલિકાની વિવિધ ટીમોને સંપૂર્ણ સ્ટેન્ડબાય રાખવામાં આવી હતી, જેથી કોઈપણ ઇમરજન્સી પરિસ્થિતિમાં તાત્કાલિક કાર્યવાહી કરી શકાય.

વેલંજા પ્રાથમિક શાળામાં સ્થળાંતર કરાયેલા તમામ લોકો માટે સુરત મહાનગરપાલિકા દ્વારા રહેવા, જમવા, પીવાના પાણી સહિતની જરૂરી સુવિધાઓની વ્યવસ્થા કરવામાં આવી હતી.

તંત્ર દ્વારા લોકોને સલામત સ્થળે રહેવા તથા સત્તાવાળાઓની સૂચનાઓનું પાલન કરવાની અપીલ પણ કરવામાં આવી છે.

જિલ્લા વહીવટી તંત્ર અને સુરત મહાનગરપાલિકાની આગોતરી આયોજનબદ્ધ કામગીરીના કારણે સંભવિત મુશ્કેલીઓ સામે અસરકારક રીતે કામગીરી કરવામાં આવી રહી છે.

Related Articles

Leave a Reply

Back to top button