
ગુજરાતના રાજકારણમાં મહત્વનો રાજકીય ફેરફાર જોવા મળી રહ્યો છે. આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા રાજુ કરપડા આજે ભાજપમાં જોડાયા છે. તેઓએ આજે બપોરે કમલમ ખાતે સત્તાવાર રીતે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. નવજીવન ન્યૂઝે થોડા દિવસ અગાઉ જ્યારે રાજુ કરપડાએ AAP માંથી રાજીનામુ આપ્યું ત્યારે ઘટસ્ફોટ કર્યો હતો કે તેઓ ભાજપમાં આજે નહીં તો કાલે જોડાશે જ.અને હવે આવું જ થયું છે.
પક્ષ પરિવર્તનની ઘટના
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં આ ઘટના રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. રાજુ કરપડાનું ભાજપ (ભારતીય જનતા પાર્ટી)માં જોડાવું આમ આદમી પાર્ટી (AAP) માટે મોટો ઝટકો ગણાય છે. કારણ કે રાજુ કરપડા ખેડૂતોનો મોટો અવાજ છે ખાસ કરીને આજની સ્થિતિએ. બીજુ કે AAP (આમ આદમી પાર્ટી) ના બોલકા નેતાઓ સામે સીધો પડકાર ઝીલી શકે તેવું તેમનું વ્યક્તિત્વ છે..
AAPમાંથી રાજીનામું
રાજુ કરપડાએ અગાઉ 11/2/2026 એ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું. તેઓ પાર્ટીમાં કિસાન સેલ સાથે જોડાયેલા મહત્વના નેતા તરીકે ઓળખાતા હતા અને ઘણા સમયથી સક્રિય રહ્યા હતા. આજે 9/4/2026 એ તે ભાજપમાં જોડાઈ ગયા છે. આટલા દિવસોમાં ભાજપના જ થઈને રહ્યા હોવાનું મનાય છે. કારણ કે તેમણે અગાઉ વિસાવદરની જાહેર સભામાં લોકોની પાસે જ બોલાવડાવ્યું હતું કે હું કોઈ બીજા પક્ષ સાથે જોડાઉં તો તમને કોઈ વાંધો છે? આવું આડકતરું પુછી લીધું હતું અને જાહેર મંચ પરથી લોકોને પુછેલા આવા સવાલોનો કેવો જવાબ મળે છે તે આપ જાણો છો. પણ સવાલ અહીં મુખ્ય એ રહે છે કે ભાજપમાં જે નેતાઓએ આ રીતે પ્રવેશ મેળવ્યો છે તેમાંથી ઘણા હાંસિયામાં છે, તમે વરુણ પટેલ લઈ લો, જે તે સમયે રેશમા પટેલ વગેરે વગેરે પણ શું રાજુ કરપડાને આ નેતાઓને જેમ તાર પર લટકાવી દેવાયા હતા તેમ તાર પર ટીંગાળી દેવાશે કે પછી રાજકારણનું મેદાન આપવામાં આવશે? એેટલે કે ચૂંટણી લડાવાશે? તે એક મહત્વનો પ્રશ્ન છે કારણ કે ભાજપે અગાઉ આવા જ નેતાઓ જેમાં હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર વગેરેનો પણ સમાવેશ થાય છે તેમને ટિકીટ આપી અને ચૂંટણી લડાવી પણ છે.
ભાજપમાં પ્રવેશનો કાર્યક્રમઃ નેતૃત્વ છેલ્લી ઘડી સુધી અજાણ
આજે બપોરે ગાંધીનગરના કમલમ ખાતે યોજાનારા કાર્યક્રમમાં તેઓ ભાજપમાં જોડાશે અને આગામી ચૂંટણીમાં ભાજપ માટે પ્રચાર પણ કરશે એવી માહિતી સામે આવી છે. અહીંયા ચોંકાવનારી એ વાત પણ સામે આવી છે કે ભલે આખું ગુજરાત અંદાજ લગાવતું હતું કે જાણતું હતું કે ભાજપમાં જ રાજુ કરપડા પગ મુકશે પરંતુ આજના કાર્યક્રમ અંગે ખુદ ભાજપના જ ઘણા નેતાઓ અજાણ હતા. કેટલાક નેતાઓ સાથેની વાતચિત દરમિયાન જાણકારી મળી કે અંતિમ ક્ષણો દરમિયાન જ ખ્યાલ આવ્યો કે આજે જે કાર્યક્રમ છે તેમાં રાજુ કરપડા ભાજપમાં જોડાશે.
રાજકીય અસર
રાજુ કરપડાના આ પગલાથી સૌરાષ્ટ્ર વિસ્તારમાં રાજકીય સમીકરણોમાં ફેરફાર થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. ખાસ કરીને ચૂંટણી પહેલાં આ જોડાણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.



