
ન્યાયતંત્રમાં ટેકનોલોજીના ઉપયોગનું એક ઉત્તમ ઉદાહરણ સુરતની કોર્ટે પૂરું પાડ્યું છે. સુરત કોર્ટે એક દંપતીના છૂટાછેડા મંજૂર કર્યા છે, જેમાં પતિ ઓસ્ટ્રેલિયા અને પત્ની કેનેડામાં રહેતી હતી. સુરત કોર્ટે પતિ-પત્નીની પરસ્પર સંમતિને માન્ય રાખીને વીડિયો કોલ (Video Call) પર આ ઐતિહાસિક ચુકાદો આપ્યો છે.
આ કેસની વિગતો મુજબ, સુરતના મહિધરપુરા વિસ્તારમાં રહેતા 35 વર્ષીય યુવકના લગ્ન નવેમ્બર 2015માં ઉત્રાણ વિસ્તારની 32 વર્ષીય યુવતી સાથે હિન્દુ રીતરિવાજ મુજબ થયા હતા. લગ્નના કેટલાક વર્ષો સુધી સાથે રહ્યા બાદ બંને વચ્ચે મતભેદ સર્જાયા હતા. એકબીજાને પૂરતો સમય ન આપી શકવાને કારણે છેલ્લા ત્રણ વર્ષથી તેઓ અલગ રહેતા હતા.પાવર ઓફ એટર્નીનો કરાયો ઉપયોગદંપતીએ માર્ચ 2023માં સુરતની સ્થાનિક અદાલતમાં છૂટાછેડા માટે અરજી કરી અને ત્યારબાદ તેઓ વિદેશ જતા રહ્યા હતા. જોકે, કાયદાકીય પ્રક્રિયા સરળ બનાવવા માટે ઓસ્ટ્રેલિયામાં રહેતા પતિએ પોતાની માતાને અને કેનેડામાં રહેતી પત્નીએ તેના પિતાને પાવર ઓફ એટર્ની (Power of Attorney) તરીકે નિયુક્ત કર્યા હતા, જેથી તેઓ કાયદાકીય દસ્તાવેજ પર હસ્તાક્ષર કરી શકે.
કોર્ટમાં અંતિમ સુનાવણી દરમિયાન, પતિ અને પત્ની પોતપોતાના દેશમાં આવેલા ભારતીય દૂતાવાસ (Indian Embassy) માં હાજર રહ્યા હતા. ત્યાંથી વીડિયો કોલ દ્વારા તેમણે છૂટાછેડા માટે પોતાની આખરી સંમતિ આપી હતી. અદાલતે હિન્દુ મેરેજ એક્ટની કલમ 13 બી હેઠળ પરસ્પર સંમતિથી કરવામાં આવેલી આ અરજી પર મહોર મારી હતી.
આ કેસ અંગે વકીલ અશ્વિન જોગડિયાએ જણાવ્યું હતું કે, એપ્રિલ 2026માં ગુજરાત ઉચ્ચ ન્યાયાલયે ટ્રાયલ કોર્ટને ટેકનોલોજીનો ઉપયોગ કરવા અને માનવીય તથા સંવેદનશીલ અભિગમ સાથે ઝડપી નિર્ણય લેવા નિર્દેશ આપ્યો હતો. સુરત કોર્ટનો આ નિર્ણય તે દિશામાં એક મહત્વનું પગલું માનવામાં આવે છે.



