
આમ આદમી પાર્ટી (AAP) ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દાવો કર્યો છે કે ભારતમાં તેમનું ઇન્સ્ટાગ્રામ (Instagram) એકાઉન્ટ પ્રતિબંધિત કરવામાં આવ્યું છે. આ ઘટના અંગે તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર મેટા (Meta) ની ટીકા કરી છે.અરવિંદ કેજરીવાલે X પર પોતાના બ્લોક થયેલા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટનો સ્ક્રીનશોટ શેર કર્યો હતો. તેમણે મેટાને સવાલ કરતાં લખ્યું કે, ‘હેલો મેટા, તમે મારું એકાઉન્ટ કેમ પ્રતિબંધિત કર્યું? ભારત કાર્યાલયમાં પૂછપરછથી જાણવા મળ્યું કે મારું એકાઉન્ટ ભારતમાં પ્રતિબંધિત છે અને ઉપલબ્ધ નથી, પરંતુ તેનું કોઈ કારણ આપવામાં આવી રહ્યું નથી.’તેમણે વધુમાં આક્ષેપ કર્યો કે નિયમિત ઇમેઇલ સ્વીકૃતિ સિવાય કોઈ યોગ્ય જવાબ મળ્યો નથી અને પ્રતિબંધ હટાવવા અંગે પણ કોઈ માર્ગદર્શન આપવામાં આવ્યું નથી. કેજરીવાલે કટાક્ષ કરતાં લખ્યું કે, ‘આપણા વડાપ્રધાન સમક્ષ આટલું ન ઝૂકો, નહીં તો તેઓ ભારતમાં ફક્ત પોતાનું જ એકાઉન્ટ ચલાવવા દેશે.’



