
સુરતના માન દરવાજા વિસ્તારમાં આવેલી સુમન શાળા નંબર 16 માં એક આઘાતજનક ઘટના સામે આવી છે. આજે 28 જુલાઈના રોજ શાળામાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીનું PT પિરિયડ દરમિયાન વીજકરંટ લાગવાથી કરુણ મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે વિદ્યાર્થીના પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.
મળતી માહિતી મુજબ, સુમન શાળા નંબર 16 માં અભ્યાસ કરતો વિદ્યાર્થી અબ્દુલ રહેમાન મહમદ સલીમ પીટીના પીરિયડ દરમિયાન અન્ય વિદ્યાર્થીઓ સાથે ધાબા પર ગયો હતો. ઘટનાના સાક્ષી રહેલા વિદ્યાર્થી મોહમ્મદ ઈરફાનના જણાવ્યા અનુસાર, બીજા માળે સાતથી આઠ વિદ્યાર્થીઓનું ગ્રુપ હતું. અબ્દુલ રહેમાન અચાનક દીવાલ તરફ દોડ્યો, ત્યાં ખુલ્લા વાયર અને લોખંડના લાઈટના થાંભલાના સંપર્કમાં આવતા જ તેને જોરદાર કરંટ લાગ્યો હતો.
મિત્રો દ્વારા બચાવવાના પ્રયાસ બાદ ત્રણ શિક્ષકો અને શાળાના પ્રિન્સિપાલની મદદથી અબ્દુલને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, પરંતુ ગંભીર રીતે દાઝી જવાથી તેનું મોત નીપજ્યું હતું. આ અંગે જાણ થતા જ મોટી સંખ્યામાં પરિજનો અને સંબંધીઓ હોસ્પિટલ દોડી આવ્યા અને હૈયાફાટ રુદન કર્યું હતું.
શાળા પ્રશાસન સામે ગંભીર આક્ષેપોઆઘટનાએ શાળાની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલ ઉભા કર્યા છે. શાળા પરિસરમાં જ ખુલ્લું રમતનું મેદાન હોવા છતાં, ચોમાસાના વરસાદી માહોલ વચ્ચે વિદ્યાર્થીઓને પીટી માટે ટેરેસ પર કેમ લઈ જવામાં આવ્યા. પરિવારજનોએ આક્ષેપ કર્યો કે, ચોમાસાની ઋતુમાં લીકેજ કે શોર્ટ સર્કિટની સમસ્યા થઈ શકે, છતાં શાળાએ યોગ્ય તકેદારી રાખી ન હતી.
પોલીસ દ્વારા બનાવ અંગે તપાસ શરૂ હોસ્પિટલ પરિસરમાં પરિવારે શાળા પ્રશાસન સામે ભારે આક્રોશ વ્યક્ત કરી જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.થાંભલામાં કરંટ કઈ રીતે આવ્યો તે અંગે શાળાના આચાર્યએ અજ્ઞાનતા દર્શાવી હતી. બીજી તરફ હાલમાં ઘટનાની જાણ થતાં જ પોલીસ અને સંબંધિત અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા છે અને સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.



