GujaratIndia

ગાંધીનગરમાં દુષ્કર્મનો ભોગ બનેલી સગીરાનું મોત : પ્રેમી યુવક ઝડપાયો

ગાંધીનગર ખાતેની એક કોલેજમાં અભ્યાસ કરતી કલોલના ગ્રામ્ય વિસ્તારની 17 વર્ષની સગીર વિદ્યાર્થિનીને પેથાપુરનો દિશાંત શર્મા (ઉં-22) નામનો પ્રેમી ગેસ્ટ હાઉસમાં લઇ ગયો હતો. જ્યાં યુવતી પર દુષ્કર્મ આચરવામાં આવતા સગીરાને અસહ્ય બ્લડિંગ થતાં આખરે શનિવારે મોડી રાત્રે તેનું મોત નિપજ્યું હતું. રાજ્યના પાટનગરમાં બનેલી હૃદયદ્રાવક ઘટનાથી ભારે ચકચાર મચી ગઇ છે.

પેથાપુર પોલીસે અરોપી દિશાંતની ધરપકડ કરી પોક્સોનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.ગાંધીનગરની કોલેજમાં ભણતી સગીર વિદ્યાર્થિનીને તેનો પ્રેમી દિશાંત ઉર્ફે દીપ શર્મા (રહે, પેથાપુર) સેક્ટર-16 ખાતેના ગેસ્ટહાઉસમાં લઇ ગયો હતો. જ્યાં યુવકે સગીરા પર આચરેલા શારીરિક અત્યાચારને કારણે અતિશય રક્તસ્રાવ થયો હતો. જેથી સગીરાને ગંભીર હાલતમાં પ્રથમ રાંધેજાની ખાનગી હોસ્પિટલ અને ત્યારબાદ સરગાસણની હોસ્પિટલ લઈ જવાઈ હતી, પરંતુ ત્યાં દાખલ કરવામાં નહીં આવતા તેને બીજી એક ખાનગી હોસ્પિટલમાં આરોપી યુવક લઇ ગયો હતો. રક્તસ્ત્રાવના અતિરેકના કારણે આંતરડાં અને કિડનીમાં ગંભીર ઇન્ફેક્શન ફેલાઈ ગયું હતું. ત્રણ દિવસ સુધી બેભાન હાલતમાં જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાધા બાદ મલ્ટી ઓર્ગન ફેલ્યોર થતાં સગીરાનું શનિવારે રાતે મોત થયું હતું.

સમગ્ર ઘટનાક્રમ દરમિયાન આરોપીના પિતાએ સગીરાના પરિવારને જાણ કરી હતી કે, તમારી દીકરી હોસ્પિટલમાં છે. પરિવાર હોસ્પિટલ પહોંચ્યા બાદ પોલીસને જાણ કરવામાં આવી હોવાની વિગતો સામે આવી છે.સગીર યુવતીને સાથે લઇ આવેલા પ્રેમીને પ્રવેશ આપનાર ગેસ્ટહાઉસના સંચાલકો સામે કોઇ ગુનો દાખલ કરવામાં આવ્યો છે કે કેમ અને સારવાર માટે સગીરાને લઇ જવામાં આવી હતી તે હોસ્પિટલના સત્તાવાળાએ શા માટે પોલીસને જાણ કરી ન હતી. તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી હોવાનું સામે આવ્યું છે.પોલીસના જણાવ્યાનુસાર યુવતી કોલેજથી છૂટ્યા બાદ અમદાવાદ તેના માસીના ઘરે જવાની હતી પરંતુ મોડી રાત સુધી દીકરી ના આવતા પરિવાર િચંતામાં મૂકાયો હતો. ત્યારબાદ યુવતી હોસ્પિટલમાં હોવાની જાણ થઇ હતી.

આરોપી પોલીસ મથકે હાજર થતાં તેની ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસ મુજબ દુષ્કર્મની આ ઘટના સેક્ટર-16ના એક ગેસ્ટહાઉસમાં બની હોવાનું સામે આવ્યું છે. ફોરેન્સિક ટીમને સાથે રાખી પેનલ પીએમ કરાવવામાં આવ્યું છે. મલ્ટીપલ ઓર્ગનમાં ઇજા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. એફએસએલમાં મોકલવામાં આવેલા સેમ્પલના રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પેથાપુર પોલીસે આરોપી દિશાંત શર્મા સામે પોક્સો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. – આયુષ જૈન, એએસપી, ગાંધીનગર

Related Articles

Leave a Reply

Back to top button