GujaratIndiaPolitics

ગુજરાત માટે રાહતના સમાચાર: પૂર પ્રભાવિત વિસ્તારો માટે કેન્દ્ર સરકારે જાહેર કર્યું રૂ.500 કરોડનું ફંડ…

ચાલુ ચોમાસા દરમિયાન પૂરની સ્થિતિનો સામનો કરી રહેલા ગુજરાત સહિતના રાજ્યો માટે કેન્દ્ર સરકારે મોટી જાહેરાત કરી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ (SDRF) ના કેન્દ્રીય હિસ્સામાંથી 2,117.85 કરોડ રૂપિયાના એડવાન્સ રિલીઝને મંજૂરી આપી છે.

ગુજરાત રાજ્યને 500 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. ગૃહ મંત્રાલયે (MHA) જણાવ્યું હતું કે, આ સહાયનો હેતુ પૂર પ્રભાવિત રાજ્યોમાં રાહત, બચાવ અને પુનઃસ્થાપન (rehabilitation) ના પ્રયાસોને વધુ મજબૂત બનાવવાનો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર રાજ્યોને તમામ જરૂરી સહાય પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે.

સામાન્ય રીતે ફંડ મેળવવા માટે કેટલીક દસ્તાવેજી પ્રક્રિયાઓ જરૂરી હોય છે, પરંતુ પૂરની ગંભીરતા અને રાહત સંસાધનોની તાત્કાલિક જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ગુજરાત, અરુણાચલ પ્રદેશ, આસામ અને મહારાષ્ટ્ર માટે નિયમોમાં છૂટછાટ આપીને પ્રથમ હપ્તાની એડવાન્સ રિલીઝને મંજૂરી આપી છે.

ગુજરાતની સાથે મહારાષ્ટ્ર અને ઓડિશાને પણ 500-500 કરોડ રૂપિયાની સહાય મંજૂર કરવામાં આવી છે. આ ફંડથી ચાલુ ચોમાસાની સિઝન દરમિયાન પૂરગ્રસ્ત વિસ્તારોમાં ચાલી રહેલા રાહત કાર્યોમાં ટેકો મળશે અને અસરગ્રસ્ત લોકોને ઝડપથી મદદ પહોંચાડી શકાશે.

ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ચોમાસાની શરૂઆતથી જ કેન્દ્ર સરકાર રાજ્ય સરકારોના સંકલનમાં રહીને પૂરની સ્થિતિ પર સતત નજર રાખી રહી છે. જરૂરિયાત મુજબ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) ની ટીમોનું પ્રી-ડિપ્લોયમેન્ટ અને સંરક્ષણ મંત્રાલય દ્વારા લોજિસ્ટિક સપોર્ટ પણ પૂરો પાડવામાં આવી રહ્યો છે.

Related Articles

Leave a Reply

Back to top button