GujaratIndiaPoliticsSurat

*ગોથાણ બ્રિજ પર શ્રીફળ વધારી વિકાસની રીલ્સ, બાજુના ખાડાઓએ ખોલી વોર્ડ નં. 2ની કામગીરીની પોલ!*

સુરત: સુરત મહાનગરપાલિકાના વોર્ડ નં. 2માં આવેલા ગોથાણ બ્રિજનું રિપેરિંગ કામ પૂર્ણ થતાં જ કોર્પોરેટરશ્રી અને સ્થાનિક આગેવાનો દ્વારા બ્રિજ ઉપર શ્રીફળ વધારી રીલ્સ બનાવવાનો ઉત્સાહ જોવા મળ્યો હતો. જાણે વિકાસની મોટી સિદ્ધિ હાંસલ કરી હોય તેમ ઉજવણી કરવામાં આવી, પરંતુ ગોથાણ તરફથી બ્રિજ ઉપર જવાના માર્ગની બાજુમાં સ્વિમિંગ પૂલ જેવા ખાડાઓ જાણે આ વિકાસની ઉજવણી સામે સવાલ બનીને ઊભા થયા છે.

એક તરફ બ્રિજનું રિપેરિંગ પૂર્ણ થતાં શ્રીફળ વધારીને સોશિયલ મીડિયા ઉપર વાહવાહી મેળવવાનો ઉત્સાહ, તો બીજી તરફ આસપાસના માર્ગ ઉપર પાણીથી ભરાયેલા ખાડાઓ! આ દૃશ્ય જોઈને સવાલ થાય છે કે શું લોકપ્રતિનિધિઓને માત્ર કેમેરા સામે દેખાતો વિકાસ જ નજરે પડે છે કે પછી સામાન્ય નાગરિકોને રોજિંદી અવરજવરમાં પડતી મુશ્કેલીઓ પણ દેખાય છે?

બ્રિજ ઉપર શ્રીફળ વધારતી વખતે જો આસપાસના માર્ગની સ્થિતિનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હોત, તો કદાચ આ ખાડાઓ અંગે પણ ચર્ચા થઈ શકી હોત. ગોથાણ તરફથી બ્રિજ ઉપર જવાના માર્ગની બાજુમાં સ્વિમિંગપુલ જેવા ખાડાઓ વાહનચાલકો માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. ખાસ કરીને વરસાદી પાણી ભરાયેલું હોય ત્યારે ખાડાની ઊંડાઈનો અંદાજ ન આવવાથી વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

વોર્ડના કોર્પોરેટરશ્રી માટે બ્રિજનું રિપેરિંગ કામ પૂર્ણ થવું જાહેર સુવિધા સાથે જોડાયેલો મુદ્દો છે, પરંતુ શું બ્રિજની કામગીરીની ઉજવણી કરતી વખતે તેની આસપાસના રસ્તાઓની સ્થિતિ તપાસવાની જવાબદારી પણ યાદ રાખવામાં આવી હતી? વિકાસની વાતો કરતી વખતે નાગરિકોની રોજિંદી મુશ્કેલીઓનો ઉલ્લેખ ન થાય તો આવી ઉજવણીનો અર્થ શું રહે છે?

આજકાલ કોઈ જાહેર કામ પૂર્ણ થાય એટલે સોશિયલ મીડિયા ઉપર ફોટા અને રીલ્સ મૂકવાનો જાણે નવો ટ્રેન્ડ શરૂ થયો હોય તેવું જોવા મળે છે. પરંતુ લોકપ્રતિનિધિની કામગીરી માત્ર રીલ્સ, ફોટા અને શ્રીફળ વધારવા પૂરતી સીમિત ન હોવી જોઈએ. લોકોના ટેક્સના નાણાંથી થતી કામગીરીનો હેતુ નાગરિકોને સુવિધા આપવાનો છે, માત્ર પ્રચાર કરવાનો નહીં.

ગોથાણ બ્રિજના રિપેરિંગ બાદ કરવામાં આવેલી ઉજવણી સામે કોઈ વાંધો હોવાનો પ્રશ્ન નથી, પરંતુ તેની સાથે જોડાયેલા માર્ગ ઉપર જો સ્વિમિંગ પૂલ જેવા ખાડાઓ ની સમસ્યા હોય, તો તેના નિરાકરણ માટે પણ એટલો જ ઉત્સાહ દેખાવો જોઈએ. કેમેરા સામે વિકાસના દાવા કરવામાં આવે અને નજીકના માર્ગની સમસ્યાઓ યથાવત્ રહે, તો સ્વાભાવિક રીતે લોકો સવાલો તો પૂછશે જ.

વોર્ડ નં. 2ના કોર્પોરેટરશ્રી અને સંબંધિત તંત્ર સમક્ષ હવે સીધા સવાલો ઊભા થાય છે: ગોથાણ સાઈડના માર્ગ ઉપરના ખાડાઓનું સમારકામ ક્યારે થશે? વરસાદી પાણી ભરાવાની સમસ્યાનો ઉકેલ લાવવા શું આયોજન કરવામાં આવશે? બ્રિજનું રિપેરિંગ પૂર્ણ થયા બાદ આસપાસના રસ્તાઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું કે નહીં?

જનતાને રીલ્સમાં દેખાતો વિકાસ નહીં, પરંતુ રસ્તા ઉપર અનુભવાતી સુવિધા જોઈએ છે. શ્રીફળ વધારીને વિકાસના વધામણા કરવામાં આવ્યા, હવે ખાડાઓ પૂરાવીને પણ કામગીરીનો પુરાવો આપવો જરૂરી છે.

વોર્ડ નં. 2ના નાગરિકો માટે હવે જોવાનું એ રહેશે કે કોર્પોરેટરશ્રી આ સવાલોને ગંભીરતાથી લઈને ગોથાણ સાઈડના માર્ગ ઉપરના ખાડાઓ દૂર કરાવવા માટે આગળ આવે છે કે પછી જે આવા સમાચાર પ્રસ્તુત કરતા પત્રકારોને ધમકાવવાના પ્રયાસ કરવામાં આવશે ?

વિકાસની રીલ્સ વચ્ચે રસ્તાની આ સમસ્યા ફરી એકવાર નજરઅંદાજ થઈ જાય છે.

Related Articles

Leave a Reply

Back to top button