યુવતી પર દુષ્કર્મ કરનારનું હાફ એન્કાઉન્ટર, પોલીસની રિવોલ્વર છીનવી ભાગ્યો, પોલીસે મારી ગોળી..

અમદાવાદ શહેરના ચર્ચિત જોધપુર PG દુષ્કર્મ કેસના આરોપી ધર્મસિંહે મધરાતે પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. હેબતપુર ખાતે પંચનામાની કાર્યવાહી દરમિયાન આરોપીએ પોલીસ કાફલા પર હુમલો કરી રિવોલ્વર છીનવી લેવા પ્રયત્ન કર્યો, જેના જવાબમાં પોલીસે ધર્મસિંહના પગમાં ગોળી મારી હતી.
ઝોન-7 DCP શિવમ વર્માના જણાવ્યા અનુસાર, પોલીસની ટીમ આરોપી ધર્મસિંહને લઈને પંચનામું કરવા માટે હેબતપુર ગઈ હતી. આ દરમિયાન આરોપીએ PI પરમારની સર્વિસ રિવોલ્વર ઝૂંટવીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ અને આરોપી વચ્ચે થયેલી આ ઝપાઝપીમાં એક રાઉન્ડ ફાયર થતા એક પોલીસ કોન્સ્ટેબલને પણ ઈજા પહોંચી હતી. પરિસ્થિતિને કાબૂમાં લેવા અને સ્વબચાવમાંPIપરમારે આરોપીના પગમાં ગોળી મારી હતી.
ગોળી વાગતા જ આરોપી જમીન પર ઢળી પડ્યો હતો. ત્યારબાદ પોલીસકર્મી અને આરોપી બંનેને તાત્કાલિક સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલ પહોંચતા જ આરોપીએ સ્ટ્રેચર પર સૂતા-સૂતા અને લંગડાતા ચાલતા પોલીસ સમક્ષ હાથ જોડીને માફી માંગવાનું શરૂ કર્યું હતું. તેણે કરગરતા કહ્યું કે, ‘સાહેબ હવે પછી આવું નહીં થાય, એકવાર માફ કરી દો…’
ફાયરિંગની આ ગંભીર ઘટનાની જાણ થતા જ JCP અને DCP સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ, આરોપી વિરુદ્ધ હવે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં પોલીસ પર હુમલો અને ફરજમાં રુકાવટ બદલ વધુ એક ગુનો નોંધવામાં આવશે. હાલમાં પોલીસ કોન્સ્ટેબલ અને આરોપી સારવાર હેઠળ છે.



