GujaratIndiasalute policeSurat

14 વર્ષીય સગીર પુત્રીને પેટમાં દુખાવો ઉપડતા સાવકા પિતાનો ભાંડો ફૂટ્યો! સુરતનો હચમચાવતો કિસ્સો…

શહેરના પુણાગામ વિસ્તારમાં માનવતાને શરમાવે તેવી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક સાવકા પિતાએ પોતાની જ 14 વર્ષીય સગીર પુત્રી પર છેલ્લા ઘણા મહિનાઓથી વારંવાર દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી બનાવી દીધી હોવાનો ગંભીર આરોપ સામે આવ્યો છે. સમગ્ર ઘટનાનો ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે સગીરાને સતત પેટમાં દુખાવાની ફરિયાદ થતાં પરિવાર તેને સારવાર માટે લઈ ગયો હતો.

તપાસ દરમિયાન સગીરા સાત મહિનાની ગર્ભવતી હોવાનું સામે આવતા પરિવારમાં ખળભળાટ મચી ગયો હતો.મળતી માહિતી મુજબ, સગીરાની માતાએ આશરે દસ વર્ષ અગાઉ પોતાના પ્રથમ પતિથી અલગ થયા બાદ પુત્રીને સાથે રાખીને વિશાલ રાદડિયા નામના વ્યક્તિ સાથે બીજા લગ્ન કર્યા હતા. ત્યારથી આરોપી વિશાલ સગીરાનો સાવકો પિતા તરીકે પરિવાર સાથે રહેતો હતો. જોકે વિશ્વાસના સંબંધને કલંકિત કરતાં આરોપીએ પોતાની સાવકી પુત્રીને જ હવસનો શિકાર બનાવી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી છેલ્લા અંદાજે આઠ મહિનાથી સગીરા સાથે વારંવાર બળાત્કાર ગુજારતો હતો. આરોપી દ્વારા ધાકધમકી અને ડરનો માહોલ ઉભો કરી સગીરાને કોઈને જાણ ન કરવા દબાણ કરવામાં આવતું હતું. માસૂમ બાળકી ડરના કારણે આ અત્યાચાર સહન કરતી રહી હતી. સમગ્ર ઘટનાનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે સગીરાને પેટમાં અસહ્ય દુખાવો શરૂ થતાં તેની તબીબી તપાસ કરાવવામાં આવી હતી.

તપાસ દરમિયાન ડોક્ટરોએ સગીરા સાત મહિનાની ગર્ભવતી હોવાનું જણાવતાં માતાના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. ત્યારબાદ માતાએ પુત્રી સાથે વાત કરતાં સમગ્ર હકીકત બહાર આવી હતી. દીકરી પાસેથી સમગ્ર ઘટના જાણ્યા બાદ માતાએ તરત જ પુણા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી પોતાના જ પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી આરોપી વિશાલ રાદડિયાની ધરપકડ કરી હતી.

પુણા પોલીસે આરોપી સામે બળાત્કાર તેમજ પોક્સો (POCSO) અધિનિયમની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ સગીરાનું તબીબી પરીક્ષણ, જરૂરી પુરાવાઓ એકત્રિત કરવાની કાર્યવાહી તેમજ સમગ્ર કેસના તમામ પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. આ ઘટના ફરી એકવાર સમાજ માટે ચેતવણીરૂપ બની છે. પરિવારની અંદર જ બાળકીઓ સામે થતા જાતીય અત્યાચારના કેસોમાં સમયસર ફરિયાદ અને સંવેદનશીલ તપાસ અત્યંત જરૂરી બની રહે છે. પોલીસ દ્વારા આરોપી સામે કડક કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને કેસમાં આગળની તપાસ ચાલુ હોવાનું જાણવા મળ્યું છે.

Related Articles

Leave a Reply

Back to top button