લૂંટેરી દુલ્હન’ ગેંગનો પર્દાફાશ, 8 યુવકો સાથે રુ. 17 લાખથી વધુની ઠગાઈ, માસ્ટરમાઈન્ડને પકડવા પોલીસ કોન્સ્ટેબલ પોતે બન્યો ‘વરરાજા’

ગુજરાતમાં લગ્ન વાંચ્છુક યુવકોને પોતાના રુપની માયાજાળમાં ફસાવીને લાખો રુપિયા ખંખેરી લેતી એક શાતિ લૂંટેરી દુલ્હન ગેંગનો સુરત પોલીસે પર્દાફાશ કર્યો છે. આ ટોળકીએ સુરત, અમદાવાદ, રાજકોટ અને ગોંડલ સહિનતા કુલ 8 જેટલા યુવકોને શિકાર બનાવી અંદાજે રુ.17.20 લાખથી વધુની છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે. આ હાઈ પ્રોફાઈલ કેસમાં સૌથી મહત્વપૂર્ણ બાબત એ હતી કે, આરોપી સુધી પહોંચવા માટે પોલીસ કોન્સ્ટેબલે ખુદ વરરાજા બનવું પડ્યું હતું.
લૂટેરી દુલ્હન ગેંગનો માસ્ટરમાઈન્ડ હિતેશ રતિલાલ કાપડીયા વલસાડમાં છુપાઈને પોલીસને સતત ચકમો આપી રહ્યો હતો. આથી કાપોદ્રા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ મુસ્તાકે એક સામાન્ય યુવક બનીને સૂત્રધાર હિતેશ કાપડીયાનો સંપર્ક કર્યો હતો. કોન્સ્ટેબલ પોતે લગ્ન કરવા માંગે છે અને દુલ્હન ખરીદવા માટે મોટી રકમ આપવા તૈયાર છે. તેમ કહીને માસ્ટરમાઈન્ડ હિતેશ કાપડીયાને વિશ્વાસમાં લીધો હતો. પૈસાની લાલચે હિતેશ જેવો સુરત ખાતે પહોંચ્યો કે તુરંત પોલીસે છટકું ગોઠવીને તેને રંગેહાથ ઝડપી લીધો હતો.
પોલીસની તપાસમાં સામે આવ્યું કે,આ ગેંગમાં હિતેશ કાપડીયા મુખ્ય સૂત્રધાર હતો, તેમજ તેની સાથે સ્વાતિ,શિતલ, રેશમા, પ્રણાલી અને રુબી નામની પાંચ મહિલાઓ અને 3 પુરુષો સામેલ હતા. મુખ્ય આરોપી હિતેશ કાપડીયા અલગ અલગ નામો ધારણ કરીને લગ્ન વાંચ્છુ યુવકોનો સંપર્ક કરતો હતો. જે બાદ તે ગેંગના બાકીના સભ્યોને નકલી સગા બનાવી આપીને તેમના નકલી આધારકાર્ડ અને ઓળખપત્રો રજૂ કરતો હતો. ત્યારબાદ લગ્ન ઇચ્છુક યુવક પાસેથી લગ્નનાં નામે રુ.2થી 3.50 લાખ રોકડા લઈને લગ્ન કરાવવામાં આવતા હતા. ત્યારબાદ દુલ્હન લગ્નના થોડા દિવસ ત્યાં રહીને સોના-ચાંદીના દાગીના અને રોકડ લઈને ફરાર થઈ જતી હતી.
આ લૂંટેરી દુલ્હન ગેંગે ગોંડલમાં એક 25 વર્ષીય યુવક સાથે પ્રણાલી નાામની દુલ્હનના લગ્ન કરાવીને રુ.3.50 લાખ લીધા હતા. જેનો વીડિયો પણ સામે આવ્યો હતો, ત્યારબાદ લગ્નના માત્ર 8 જ દિવસમાં દુલ્હન સોનાના દાગીના સહિત કુલ 5 લાખનો મુદ્દામાલ લઇને ફરાર થઈ ગઈ હતી. ત્યાર બાદ સુરતના કાપોદ્રામાં એક યુવક પાસેથી 2.80 લાખ અને ઉત્રાણના એક એમ્બ્રોઈડરી ડિઝાઈનર યુવક પાસેથી રુ.2.90 લાખ ખંખેર્યા હતા. તે સિવાય પોલીસની પૂછપરછમાં આરોપીએ કબૂલ્યું કે, તેણે અડાજણમાં 2.50 લાખ, સુરતના અમરોલીમાં રુ.3 લાખ,રાજકોટના પ્રધ્યુમનગરમાં રુ.2.50 લાખ જ્યારે અમદાવાદના વેજલપુરમાં રુ.1.30 લાખ લઈને યુવકોને ફસાવ્યા હતા.
સુરત પોલીસે ઝડપી લીધેલા આરોપી માસ્ટરમાઈન્ડ હિતેશ કાપડીયા ( ઉ.40 રહે વલસાડ, મૂળ જૂનાગઢ) ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, તેની સામે અગાઉ સુરતના વરાછા, કતારગામ, ગાંધીનગરના પેથાપુર પોલીસ મથક, તેમજ ભાવનગરના ગારીયાધારમાં કાવતરા અને છેતરપિંડીના 4 ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. હાલ કાપોદ્રા પોલીસે આરોપી હિતેશ કાપડીયાની અટકાયત કરી છે, તેમજ તેની સાથે સંકળાયેલ 5 લૂંટેરી દુલ્હન અને અન્ય સભ્યોને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.



