
સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા રેસિડેન્ટ ડોક્ટર દ્વારા કરવામાં આવેલા આપઘાતની અત્યંત દુઃખદ અને સનસનાટીભરી ઘટના સામે આવ્યા બાદ રાજ્ય સરકાર હરકતમાં આવી ગઈ છે. આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ બનાવની ગંભીર નોંધ લઈને ત્વરિત અને કડક તપાસના આદેશ આપ્યા છે. મંત્રીશ્રીના નિર્દેશ બાદ સમગ્ર મામલે પારદર્શક અને ઝડપી તપાસ હાથ ધરવા માટે ઉચ્ચસ્તરીય કમિટીની રચના કરી દેવામાં આવી છે.
આપઘાત મામલે આરોગ્ય મંત્રીના નિર્દેશથી સિવિલ હોસ્પિટલના ડીન અને સુપરિન્ટેન્ડેન્ટની સંયુક્ત અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. આ તપાસમાં સંપૂર્ણ પારદર્શિતા અને તટસ્થતા જળવાઈ રહે તે માટે સમગ્ર કાર્યવાહીની સીધી દેખરેખ ગાંધીનગર મેડિકલ એજ્યુકેશનના અધિક નિયામક સચદેને સુપ્રત કરવામાં આવી છે.
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ અધિકારીઓને કડક આદેશ આપતાં સ્પષ્ટ કર્યું છે કે, આ બનાવમાં કોઈપણ સંજોગોમાં દોષિતોને છાવરવામાં આવશે નહીં. જો તપાસ દરમિયાન રેગિંગ, માનસિક પરેશાની, શારીરિક ત્રાસ કે તંત્રની બેદરકારીનો કિસ્સો પ્રકાશમાં આવશે તો જવાબદારો સામે કાયદાકીય અને વહીવટી સ્તરે આકરામાં આકરી કાર્યવાહી કરવામાં આવશે.
આપઘાત કરનાર ડોક્ટર સાથે હોસ્ટેલ કે હોસ્પિટલ પરિસરમાં કોઈ પણ પ્રકારની રેગિંગની ઘટના બની છે કે કેમ, અથવા તેમને કોઈ વ્યક્તિ કે તંત્ર દ્વારા માનસિક કે શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો કે કેમ – તે તમામ પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે.
સત્ય બહાર લાવવા માટે આજે રાત્રિ દરમિયાન જ હોસ્ટેલમાં ઉપસ્થિત તમામ સાથી વિદ્યાર્થીઓ અને રેસિડેન્ટ ડોક્ટરોના નિવેદનો નોંધવાની કાર્યવાહી હાથ ધરાશે.
ડેડલાઇનસમગ્ર ઘટનાનો આખરી તપાસ રિપોર્ટ 24 કલાકની અંદર સરકારને સોંપવો.મૃતક ડોક્ટરના પિતા સાથે ફોન પર વાત કરી સાંત્વના પાઠવીબીજી તરફ, આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ ટેલિફોન પર મૃતક ડોક્ટરના પિતા સાથે વાતચીત કરીને ઊંડા શોકની સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે પરિવારજનોને આ મુશ્કેલ સમયમાં સાંત્વના આપતા ખાતરી આપી હતી કે, સરકાર આ બાબતે અત્યંત ગંભીર છે અને તટસ્થ તપાસ કરાવીને દોષિતો સામે કડકમાં કડક કાર્યવાહી સુનિશ્ચિત કરશે.



