
સુરતના ભેસ્તાન વિસ્તારમાં ગત 5 ઓગસ્ટના રોજ ધોળે દિવસે થયેલી સતીષ ઉર્ફે સતીષ મરાઠાની હત્યાના મામલે પોલીસે મોટી સફળતા મેળવી છે. તાપી જિલ્લા LCB અને સુરત શહેર ક્રાઈમ બ્રાંચે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને મુખ્ય 4 આરોપી અને કાયદાના સંઘર્ષમાં આવેલા ચાર કિશોરોને મહારાષ્ટ્ર ભાગી છૂટે તે પહેલા જ ઉચ્છલ વિસ્તારમાંથી દબોચી લીધા છે.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, મૃતક સતીષ મરાઠા અને આરોપીઓ વચ્ચે જૂની અદાવત ચાલતી હતી. ગત 5 ઓગસ્ટના રોજ સાંજે જ્યારે સતીષ મરાઠા ભેસ્તાન સરસ્વતી આવાસ પાસે પોતાની સ્વિફ્ટ કારમાં હતો, ત્યારે આરોપીઓએ બાઈક પર પીછો કરી કારનો કાચ તોડી નાખ્યો હતો.સતીષ કારની બહાર નીકળતા જ આરોપીઓએ તેને ચારે તરફથી ઘેરી લીધો અને તલવાર, કોયતા, કુહાડી જેવા તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો. સતીષે ભાગવાનો પ્રયાસ કરતા આરોપીઓએ તેની પર ફાયરિંગ પણ કર્યું, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
આ હત્યા પાછળનું કાવતરું અત્યંત ઊંડું હતું. મુખ્ય આરોપી પૈકીના કેટલાક જ્યારે અગાઉ લાજપોર જેલમાં હતા, ત્યારે ત્યાં ગુજસીટોકના ગુનામાં કેદ રાહુલ સોમન મંડલ સાથે તેમનો પરિચય થયો હતો. રાહુલે સતીષ મરાઠાને પતાવી દેવા માટે તમામ પ્રકારની મદદ પૂરી પાડવાનું આશ્વાસન આપ્યું અને આખું કાવતરું જેલની અંદર જ ઘડાયું હોવાનું સામે આવ્યું છે.
પોલીસે આ કેસમાં આઠ આરોપીની ધરપકડ કરી છે. જેમાં 19 વર્ષીય કેતન ઉર્ફે સન્ની સુધાકર સીરસાઠ, 20 વર્ષીય રાહુલ ઉર્ફે બટકો જગદેવભાઈ દુબે અને કરણ ઉર્ફે પુદુલ હરામણી રાજન્દ્ર દુબે, 26 વર્ષીય અજીત ઉર્ફે જસ્ટીન ભોલાભાઈ ગોસ્વામી સામેલ છે.
આ ઉપરાંત કાયદાના સંઘર્ષમાં આવેલ અન્ય ચાર કિશોરોને પણ પોલીસ ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. વધુમાં, પોલીસે આરોપીઓ પાસેથી પોલીસે બે દેશી પિસ્તોલ, એક તમંચો, ખાલી મેગેઝીન અને ત્રણ મોપેડ જેવો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે.આરોપીઓ જેલના સળિયા પાછળહત્યા બાદ આરોપીઓ સુરત છોડીને મહારાષ્ટ્ર તરફ નાસી જવાની પેરવીમાં હતા. જોકે, સુરત ક્રાઈમ બ્રાંચે ટેકનિકલ વર્કઆઉટ અને હ્યુમન સોર્સિસ દ્વારા સચોટ બાતમી મેળવીને હાઈવે પર નાકાબંધી કરી હતી. જે બાદ ગણતરીના કલાકોમાં જ પોલીસે તમામ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



