
સુરતમાં સતત સર્જાતી ખાડીપૂરની ગંભીર સમસ્યાથી પૂર્વ વિસ્તારના રહીશો હવે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. છેલ્લા 15 જ દિવસમાં ત્રણ-ત્રણ વખત ખાડીપૂર આવતાં ઘરોમાં પાણી ભરાઈ ગયાં હતાં, જેના કારણે ફર્નિચર, ઘરવખરી અને વાહનોને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે. દર વર્ષે ચોમાસામાં ભોગવવી પડતી આ યાતનાઓથી કંટાળીને હવે પર્વત પાટીયા વિસ્તારના રહીશો કાયમી નિરાકરણ માટે આરપારની લડાઈ લડી લેવાના મૂડમાં આવી ગયા છે.
પર્વત પાટીયા પાસે આવેલી માધવબાગ સોસાયટી ખાતે ખાડીપૂરથી પીડિત 100થી વધુ સોસાયટીના રહીશોની એક અગત્યની બેઠક યોજાઈ હતી. જેમાં મગોબ અને મીઠી ખાડી પૂર પીડિતોના હક્ક માટે જન આંદોલન શરૂ કરવાની રણનીતિ ઘડવામાં આવી હતી. રહીશો આગામી દિવસોમાં વિશાળ બાઈક રેલી યોજીને જિલ્લા કલેક્ટર, મનપા કમિશનર અને મેયરને આવેદનપત્ર પાઠવશે. જો આપેલા સમયગાળામાં ખાડીપૂરનું કાયમી સોલ્યુશન નહીં આવે તો રસ્તા રોકો આંદોલન, ઝોન ઓફિસનો ઘેરાવો અને અમરણાંત ઉપવાસ સુધી જવાની ચીમકી આપવામાં આવી છે.
સ્થાનિક અગ્રણી ગૌતમભાઈએ જણાવ્યું હતું કે- અમે છેલ્લા 22 વર્ષથી પાણીની સમસ્યા ભોગવીએ છીએ અને 10 વર્ષથી ખાડીપૂર આવી રહ્યું છે. વાલક પાટીયાથી ખાડીનું ડાયવર્ઝન આપવામાં આવે તો જ આ વિકટ સમસ્યાનું કાયમી નિરાકરણ આવી શકે તેમ છે. આ ઉપરાંત મિલેનિયમ-4 પાસે થયેલા ગેરકાયદે બાંધકામો તોડવા જરૂરી છે. અમે 10 વર્ષથી લેખિત રજૂઆતો કરી છતાં તંત્ર કાનમાં આંગળા નાખીને બેઠું છે. હવે 100થી વધુ સોસાયટીઓ એક થઈ છે અને ગાંધીનગરથી લઈને દિલ્હી સુધી લડી લેવા તૈયાર છીએ.

અન્ય સ્થાનિક રહીશ પ્રદીપભાઈએ તંત્રની નિષ્ક્રિયતા સામે રોષ ઠાલવતાં કહ્યું કે- છેલ્લા 25 વર્ષથી હું અહીં રહું છું. આ મહિને 3 વખત પાણી ભરાઈ ગયાં. તંત્રને માત્ર પોતાના ખિસ્સા ભરવામાં અને ટેન્ડરો પાસ કરવામાં જ રસ છે. પૂર સમયે 3-3 દિવસ સુધી લોકો દૂધ અને પીવાના પાણી વગર તરફડિયાં મારતા રહ્યા, છતાં કોઈ સહાય પહોંચી નથી. દર વર્ષે ચોમાસાના 4 મહિના અમારો જીવ અધ્ધર રહે છે.મહિલાઓનો આક્રંદસ્થાનિક મહિલા દીપિકાબેન પ્રજાપતિએ પોતાની વ્યથા ઠાલવતાં કહ્યું કે- 15 દિવસમાં ત્રણ વાર પાણી ભરાયાં. પહેલીવાર પાણી આવ્યા ત્યારે બોટ કે ટ્રેક્ટર જેવી કોઈ જ સુવિધા ન હતી. કમર સમાણા પાણીમાં જીવના જોખમે બાળકોને લઈને બહાર નીકળ્યા હતા. ઘરનું ફર્નિચર, ગોદડાં કે વાસણ કંઈ વાપરવા લાયક બચ્યું નથી. હવે ગમે તે થાય પણ અમારે ખાડીપૂરનું કાયમી નિરાકરણ જોઈએ છે, નહિતર અમે રસ્તા પર ઉતરીને આંદોલન કરીશું.
રહીશોની સ્પષ્ટ માગણી છે કે જો તંત્ર ટૂંક સમયમાં ખાડીના ડાયવર્ઝન અને યોગ્ય ડ્રેનેજ સિસ્ટમ અંગે આયોજન નહીં કરે તો સુરત મહોલ્લામાંથી જન આંદોલનની જ્વાળા સમગ્ર શહેરમાં પ્રસરી જશે.



